ત્રણ દિવસીય જ્ઞાનમાર્ગ કાર્યક્રમ

ज्ञानमार्ग से
Jump to navigation Jump to search

ત્રણ દિવસીય જ્ઞાનમાર્ગ કાર્યક્રમ

આ કાર્યક્રમ જ્ઞાનમાર્ગનો સંક્ષિપ્ત પરિચય છે. તે ત્રણ મુખ્ય શિક્ષા આપે છે - આત્મજ્ઞાન, માયા નુ જ્ઞાન અને બ્રહ્મજ્ઞાન (અદ્વૈત). આ જ્ઞાન શિક્ષક પાસેથી વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે, સામ સામે, મૌખિક રીતે આપવામાં આવે છે. આ ભાષણ નથી, સંવાદ છે. વાસ્તવિક વાતચીત થોડી અલગ રીતે થઈ શકે છે, વિદ્યાર્થી ની સમજને આધારે, નીચેનો પાઠ માત્ર માર્ગદર્શિકા છે.

દરરોજ એક વિષય પર ચર્ચા થાય છે, જે લગભગ ૪૫ થી ૬૦ મિનિટ ચાલે છે.

માત્ર એક લાયક શિક્ષક અથવા વિદ્યાર્થી જેણે જ્ઞાનમાર્ગ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે (અથવા તે પણ જેઓ કાર્યક્રમના ૭ માં પગલા પર છે), આ અભ્યાસક્રમ શીખવવા માટે પાત્ર છે.

સાવચેતીઓ

જેઓ જ્ઞાન માટે ઈચ્છા અને રસ ધરાવતા હોય તેમને જ આ જ્ઞાન આપવું જોઈએ. ખાસ કરીને જ્ઞાનમાર્ગ ના સાધકો, અથવા આધ્યાત્મિક માર્ગના લોકો આ શિક્ષણના અધિકારી છે. સામાન્ય લોકો અથવા અપૂરતી બુદ્ધિ ધરાવતા લોકોએ આ જ્ઞાન લેવું જોઈએ નહીં. તેજસ્વી અને વિલક્ષણ બાળકોને પણ આ શિક્ષણ આપી શકાય છે.

કોઈ પણ સંજોગોમાં આ જ્ઞાન, માનસિક અથવા શારીરિક રીતે અયોગ્ય, ઉગ્રવાદી, અથવા કુંઠિત વિચારધારા ધરાવતા લોકોને આપવું જોઈએ નહીં . આ શિક્ષણ આપનાર વ્યક્તિ કોઈપણ અણધાર્યા પરિણામ માટે જવાબદાર છે. આ જ્ઞાન/વિદ્યા ના બદલામાં પૈસા કે બીજું કાઇપણ માગવું ના જોઈએ. આ જ્ઞાન સેવા તરીકે પૂર્ણતઃ નિશુલ્ક પ્રદાન કરવું જોઈએ.

પ્રસ્તાવના: જ્ઞાનમાર્ગ

જ્ઞાનમાર્ગ એક આધ્યાત્મિક માર્ગ છે, તે જ્ઞાન ને સંબંધિત છે, અને આ માર્ગ પર અજ્ઞાન નો નાશ કરવામાં આવે છે. તમામ પ્રકારના બંધન અને દુ:ખનું મૂળ કારણ અજ્ઞાન છે તે જાણીને, તેને યોગ્ય તાલીમ દ્વારા અને અનુભવી શિક્ષક દ્વારા અજ્ઞાન દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્ઞાનમાર્ગ એક જીવનશૈલી છે; આપણે નિરંતર જ્ઞાનમાં જીવવાનુ છે. આ સીધો અને અંતિમ માર્ગ છે. જ્ઞાન ના સાધનો જ્ઞાન કેવી રીતે મેળવવું? જ્ઞાન મેળવવાના માત્ર બે માધ્યમ છે :

  • ૧. પ્રત્યક્ષ અનુભવ
  • ૨. તર્ક (અનુમાન)

જ્ઞાનમાર્ગના ફળ /સિદ્ધિઓ

  1. આત્મજ્ઞાન (આત્મ-સાક્ષાત્કાર)
  2. બ્રહ્મજ્ઞાન - એકતાની અનુભૂતિ
  3. બધા અનુભવો એક ભ્રમ છે એનો બોધ
  4. દુ:ખ નો અંત
  5. પૂર્ણ સ્વતંત્રતા
  6. તૃપ્તિ
  7. મુક્તિ
  8. પૂર્ણ આનંદ
  9. ઝડપી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ /પ્રગતિ
  10. અને બીજા ઘણા બધા લાભ છે ...

જ્ઞાન ના પ્રકારો

ત્રણ પ્રકારના જ્ઞાન છે:

  • ૧. સ્વયં નું જ્ઞાન કે આત્મજ્ઞાન . હું કોણ છું? હું શું છું?
  • ૨. જગતનું કે સંસારનું જ્ઞાન . શું તે વાસ્તવિક છે?
  • ૩. બ્રહ્મજ્ઞાન કે એકતાનું જ્ઞાન . બધું કેવી રીતે એક છે?

પહેલો દિવસ : આત્મજ્ઞાન

ચાલો, હું કોણ છું? અને મારો સાર શું છે? તે જાણવાનો પ્રયત્ન કરીએ. આપણે આ કેવી રીતે જાણી શકીએ? આપણે પ્રત્યક્ષ અનુભવ અને તર્ક દ્વારા કંઈપણ જાણી શકીએ છીએ, અને પછી આપણે તપાસ કરી શકીએ છીએ કે ‘તે’ હું છું કે નહીં. તમારી જાતને એક પછી એક નીચે પ્રમાણે પ્રશ્નો પૂછો, અને દરેકના જવાબ આપ્યા પછી, આગળનો પ્રશ્ન પૂછો.

વસ્તુઓ

પ્રત્યક્ષ અનુભવ અને તર્કના પ્રકાશમાં, 'વિષય / વસ્તુ/ પદાર્થ' સાથે મારો સંબંધ, નીચે લખેલા પ્રશ્નો થી જાણી સકાસે.

  • ૧. અત્યારે ‘હું’ ક્યાં છું?
  • ૨. મારી સામે શું છે?
  • ૩. શું ‘હું’ વિષય / વસ્તુ ને જોઈ રહ્યો છું કે વિષય / વસ્તુ/ પદાર્થ મને જોઈ રહ્યો છે? આમાં કોઈ શંકા છે?

શું હું કહી શકું કે ‘હું’ પદાર્થ નથી? હું તેને જોઈ રહ્યો છું પણ તે મને નથી જોઈ રહ્યો? જો હા, તો સ્પષ્ટ થશે કે ‘હું’ વિષય / વસ્તુ હોઈ શકતો નથી.

તેથી મારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા હું કહી શકું છું કે, હું જે કંઈ પણ જોઈ શકું છું તે ‘હું’ નથી. એ જ રીતે શ્રવણ, સ્પર્શ કે વિચાર, આ બધા અનુભવો માટે કહી શકાય કે , તે ‘હું’ નથી.

હવે જો આપણે વસ્તુને કંઈક બીજી વસ્તુમાં બદલી દઈએ, તો તમે શું કહેશો?

શું તમે કહેશો કે વસ્તુ બદલાઇ છે અથવા તમે એમ કહેશો કે ‘હું’ બદલાઈ ગયો?

જો વિષય / વસ્તુ બદલાઈ જાય પણ ‘હું’ ન બદલાવ, તો મારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા હું કહી શકું, કે જે બદલાય છે, તે ‘હું’ નથી.

વિષય / વસ્તુ જે પણ હોય તે બદલાઈ જાય, તો પણ ‘હું’ તો તે જ છું.

આ પ્રમાણે આપણે બે મહત્વપૂર્ણ નિયમો પર આવીએ છીએ:

  • ૧. જેનો પણ અનુભવ શક્ય છે, તે ‘હું’ નથી.
  • ૨. જે પણ બદલાય છે, પરિવર્તનશીલ છે, તે પણ ‘હું’ નથી.

આ બંને નિયમો પર કોઈ શંકા છે? આ બંને નિયમોની સંપૂર્ણ ચકાસણી કરી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ અને આવશ્યક છે. હવે એ બધુ સાબિત કરવા માટે બધું જ તપાસવાની જરૂર નથી કે, શું શું ‘હું’ નથી. હવે આપણે તર્કનો ઉપયોગ કરી શકિયે કે જે કંઈ પણ જોઈ શકું છું અથવા જે પણ બદલાઈ શકે છે, તે ‘હું’ નથી. કોઈ પણ પદાર્થ ‘હું’ નથી.

પરિણામ: જગતની કોઈ પણ વસ્તુ ‘હું’ નથી. ‘હું’ વસ્તુઓમાં નથી.

શરીર

પ્રત્યક્ષ અનુભવ અને તર્કના પ્રકાશમાં 'શરીર' સાથે મારો સંબંધ:

ઉપર આપણે વસ્તુને ચકાશી હવે આપણે શરીર પર નજર કરીએ, અને આ બંને નિયમો પ્રત્યક્ષ અનુભવ અને તર્કની કસોટી પર ચકાશીએ.

શું તમે શરીરને જોઈ રહ્યા છો કે, શરીર તમને જોઈ રહ્યું છે?

નિયમનો ઉપયોગ: હું જેનો અનુભવ કરી શકું તે ‘હું’ નથી. જે પણ બદલાઈ રહ્યું છે, તે ‘હું‘ નથી. આ પ્રમાણે ‘હું’ શરીર નથી. હું શરીરનો કોઈ ભાગ પણ નથી, કારણ કે બધું બદલાઈ રહ્યું છે. આજ તર્ક શરીરના કોઈપણ ભાગ માટે પણ લાગુ પડે છે.

પરિણામ: ‘હું’ આ શરીર નથી અથવા શરીરનો કોઈ ભાગ પણ નથી.

લાગણી

પ્રત્યક્ષ અનુભવ અને તર્કના પ્રકાશમાં 'લાગણીઓ' સાથે મારો સંબંધ:

ચાલો હવે હું અરીસામાં જે શરીરને જોઉં છું તેના બદલે જે શરીરનો હું અંદરથી અનુભવ કરી રહ્યો છું તેને ચકાશીએ: પીડા, ભૂખ, ઊંઘ, થાક વગેરે શરીરની આતરિક સંવેદનાઓ છે. ચાલો પીડાને જોઈએ.

૧. શું તમે પીડા અનુભવી રહ્યા છો અથવા પીડા તમને અનુભવી રહી છે? ૨. શું પીડા આવે અને જાય છે? શું તે બદલાય છે?

બંને નિયમોનો ઉપયોગ કરો અને તપાસો કે, પીડા ‘હું’ છું કે નહીં?

પરિણામ: હું સંવેદના નથી. અને કોઈ પણ સંવેદના ‘હું’ નથી.

ભાવના

પ્રત્યક્ષ અનુભવ અને તર્કના પ્રકાશમાં 'ભાવનાઓ' સાથે મારો સંબંધ:

ચાલો હવે ભાવનાઓ જોઈએ: ક્રોધ, ભય, સુખ, દુઃખ, વેદના વગેરે.

૧. જ્યારે હું ગુસ્સે હોઉં, ત્યારે શું ગુસ્સો મને અનુભવી રહ્યો છે કે હું ગુસ્સાનો અનુભવ કરું છું? ૨. શું ગુસ્સો આવે છે અને જાય છે?

બંને નિયમોનો ઉપયોગ કરો અને તપાસ કરો કે ગુસ્સો ‘હું’ છું કે નહીં.

જો પ્રત્યક્ષ અનુભવનો ઉપયોગ કરીયે તો નિષ્કર્ષ એ હોઇ કે ગુસ્સો ‘હું’ નથી, તો પછી આજ તર્ક પ્રમાણે આ સાબિત થાઇ છે કે કોઈ પણ ભાવના પણ ‘હું’ નથી.

પરિણામ: હું ભાવનાઓ નથી. કોઈ પણ ભાવના ‘હું’ નથી.

વિચારો

પ્રત્યક્ષ અનુભવ અને તર્કના પ્રકાશમાં 'વિચારો' સાથે મારો સંબંધ:

૧. શું હું વિચારોને અનુભવું છું કે આ વિચારો મને અનુભવે છે? ૨. "હું આ કે તે" જેવો વિચાર પણ, શું એક વિચાર જ નથી? (ચોક્કસ આ પણ અહંકારનો એક વિચારજ છે) અહંકાર કોઈની પણ જોડે તાદાત્મય કરીને ‘હું’ જાહેર કરે છે. તે ‘હું’ ને વિવિધ અનુભવો

સાથે પણ જોડે છે અને તે દૂર પણ કરે છે.

શું વિચારો આવે છે અને જાય છે? શું તેઓ બદલાય છે?

બંને નિયમોનો ઉપયોગ કરો અને તપાસો કે શું વિચાર ‘હું’ છું? અહી સુધી કે જે આ કહે છે કે ‘હું અહિયાં છું’ કે ત્યાં છું’, તર્કના આધારે, તે પણ ‘હું’ નથી.

પરિણામ: હું વિચારો નથી. કોઈ પણ વિચાર ‘હું’ નથી.

ઈચ્છાઓ

પ્રત્યક્ષ અનુભવ અને તર્કના પ્રકાશમાં 'ઈચ્છાઓ' સાથે મારો સંબંધ:

૧. શું હું ઈચ્છાઓને અનુભવી રહ્યો છું કે ઈચ્છાઓ મને અનુભવી રહી છે? ૨. શું ઈચ્છાઓ આવે છે અને જાય છે?

ઉપરનાં બંને નિયમોનો ઉપયોગ કરો અને તપાસો કે ઇચ્છા ‘હું’ છું કે નહીં.

પરિણામ: હું ઈચ્છાઓ નથી અને કોઈ ઈચ્છાઓ ‘હું’ નથી.

સ્મૃતિ

પ્રત્યક્ષ અનુભવ અને તર્કના પ્રકાશમાં 'સ્મૃતિ' સાથે મારો સંબંધ:

૧. શું હું સ્મૃતિને અનુભવી રહ્યો છું કે, સ્મૃતિ મને અનુભવી રહી છે? ૨. શું સ્મૃતિઓ આવે છે અને જાય છે? શું સ્મૃતિ બદલાઈ રહી છે? જ્યારે સ્મૃતિ બદલાઈ રહી છે ત્યારે શું ‘હું’ પણ સ્મૃતિ સાથે બદલાઈ રહ્યો છું?

જ્યારે હું કઈ ભૂલી જાઉં છું ત્યારે હું શું એ કહું છું કે, "હું એ સમયે ન હતો" અથવા હું એ કહું છું કે "હું ભૂલી ગયો છું"? મેં એક વર્ષ પહેલા શું પહેર્યું હતું, શું મને યાદ છે? ના , તો શું એ કેહવું યોગ્ય હશે કે, ‘હું ત્યાં ન હતો’ અથવા હું એમ કહીશ કે ‘હું ભૂલી ગયો છું?’ આ પ્રમાણે જો હું ભૂલી પણ ગયો હોવ તો પણ હું તો ત્યાં હતોજ.

સ્મૃતિમાં શું શું છે? મારું નામ શું છે? કોઈએ મને નામ આપ્યું હતું અને તે મારી સ્મૃતિમાં છે. હું તેને તરત યાદ કરી શકું છું કારણકે તે સ્મૃતિ માં છે. જો હું સ્મૃતિ નથી તો હું મારું નામ પણ નથી. મારુ નામ પણ એક નામ માત્ર છે.

શિક્ષણના વિશે શું કહશો? શિક્ષણ ક્યાં છે? શું શિક્ષણ સ્મૃતિમાં નથી રેહતું? શું શિક્ષણ હમેશા રહે છે? યાદશક્તિ ગઈ અને શિક્ષણ પણ ગયું. તેજ પ્રમાણે મારો વ્યવસાય કે આવડત પણ હું નથી. તે પણ બધુ સ્મૃતિમાંજ છે.

શું મારી માતા, પિતા, પતિ, પુત્ર વગેરે બધા મારી સ્મૃતિમાં છે? જો સ્મૃતિ ભૂંસાઈ જાય તો આ બધા સંબંધો ક્યાં છે? શું હું કહીશ કે, ‘હું નથી’ અથવા હું કહીશ કે, મને મારા સંબંધીઓ યાદ નથી? જો યાદશક્તિ જતી રહે તો બધા સંબંધો જતા રહે છે.

જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા વગેરેની જાણકારી ક્યાંથી આવે છે? લોકો પાસે થી મને આ માન્યતાઓ મળી છે, પણ હું આમાંથી કંઈ પણ નથી. જ્યારે હું બાળક હતો, ત્યારે લોકો દ્વારા લાદવામાં આવેલી આ માન્યતાઓ છે.

પરિણામ: ‘હું’ સ્મૃતિ નથી અને સ્મૃતિનો કોઈપણ ભાગ ‘હું’ હોઈ શકતો નથી.

લિંગ

હું પુરુષ છું કે સ્ત્રી? મને કેવીરીતે ખબર પડે? સ્વાભાવિક છે કે મારા શરીર ને કારણે, કારણકે શરીર બે પ્રકારના છે: પુરુષ અને સ્ત્રી. પરંતુ આપણે આગળ જોયુંજ છે કે, શરીર ‘હું’ નથી.

મને કહેવામાં આવ્યું કે, હું જે પ્રકારનું શરીર ધરાવું છું તેના કારણે હું સ્ત્રી અથવા પુરુષ છું. જો આ માન્યતા કાઢી નાખવામાં આવે, તો મારે કોઈપણ લિંગ ભેદ કરવાની આવશ્યકતા નથી.

લિંગ/પુરુષ-સ્ત્રી વિશેની તમામ લાદવામાં આવેલી માન્યતાઓ હવે દૂર થઈ ગઈ છે. તે બધુ સ્મૃતિમાત્ર છે.

શું ત્યાં કંઈ બાકી રહે છે કે, જેને હું કહી શકું કે તે ‘હું’ છું? ચિત્તે જે વિચાર્યું તે બધું સ્મૃતિનો ભાગ છે. અને ઉપરના બંને નિયમોનો ઉપયોગ કરતા એ સાબિત થાઇ છે કે ‘હું’ સ્મૃતિનો કોઈ પણ ભાગ નથી. એમ તાર્કિક રીતે સિદ્ધ થાઇ છે કે , કોઈ પણ અનુભવ ‘હું’ નથી. બધા અનુભવો સ્મૃતિમાં સંગ્રહિત છે, અને જો સ્મૃતિ ‘હું’ નથી તો જે પણ અનુભવી શકાય છે, તે પણ ‘હું’ નથી.

પરિણામ: ‘હું’ અનુભવ નથી અને કોઈ પણ અનુભવ ‘હું’ નથી.

અનુભવકર્તા

હવે પ્રશ્ન પૂછો- જો ‘હું’ વિશ્વની વસ્તુઓ નથી, શરીર નથી, સંવેદના નથી, લાગણી નથી, વિચારો નથી, ઇચ્છાઓ નથી, સ્મૃતિ નથી અને અનુભવો નથી; શું તે છતાં ‘હું’ છું?

જો કોઈ નથી, તો બધા અનુભવોને કોણ જોઈ રહ્યું છે?

પણ ‘હું’ હજુ છું. ‘હું’ બધું જોઈ રહ્યો છું. ‘હું’ અનુભવકર્તા છું. હુંજ સાક્ષી છું.તે હોવામાત્રથી સિદ્ધ થાઇ છે, તેનો અનુભવ શક્ય નથી, હું કોઈપણ અનુભવ નથી. શું હું કહી શકું કે તે ‘હું’ નથી?જવાબ - ના, હુંજ છું નિત્ય નિરંતર અનુભવકર્તા.

આકાર/રુપ

ચાલો હવે સાક્ષીને તપાસીએ. શું હું સાક્ષીમાં - આકાર, રૂપ, રંગ, સામગ્રી, પદાર્થનો અનુભવ કરુ છું?

અગર ત્યાં કોઈ રૂપ હોય તો તરત મારી આંખો તેને પકડી લેશે. અગર ત્યાં કોઈ રૂપ હોય તો પણ તે અનુભવ પણ ‘હું’ નથી. છતાં પણ સાક્ષી તો છેજ. પરંતુ શોધવાથી ત્યાં કઈ મળશે નહીં. સાક્ષી શૂન્ય છે. તેનો કોઈ રંગ, આકાર, સ્વરૂપ, પદાર્થ નથી, છતાં સાક્ષી તો છે.

શું સાક્ષીમાં કોઈ ઘનમાપ(volume), ઊર્જા, સ્થિતિ, વીજળી, વસ્તુઓ છે? આ વસ્તુઓ કાં તો જોઈ શકાય છે અથવા તે બદલાય છે. સાક્ષીનો આ પ્રકારનો કોઈપણ અનુભવ શક્ય નથી.

પરિણામ: હું નિરાકાર છું.

પરિવર્તન

જ્યારે પણ કોઈ પરિવર્તન થાય, આપણે તેને જોઈ લઈએ છીએ, પરંતુ નિયમ નંબર બે પ્રમાણે - જે પણ બદલાય તે ‘હું’ નથી.

જે પણ પરિવર્તન છે તે અસ્થાયી છે અને જે બદલાતું નથી તે નિત્ય છે. માત્ર ‘હું’ જ અપરિવર્તનીય છું, બાકીનું બધુ પરિવર્તનશીલ છે.

પરિણામ: હું અપરિવર્તનીય છું.

જન્મ

મારો જન્મ ક્યારે થયો હતો?

જન્મ એ બાળકના શરીરનું નિર્માણ છે. તે શરીરનો જન્મ હતો અને હવે, તે નાનું શરીર નથી રહ્યું. એક શરીરનો જન્મ થયો અને મને કહેવામાં આવ્યું કે, ‘હું’ જન્મ્યો છું. પણ હું તે શરીર નથી, અને હું આ પુખ્ત શરીર પણ નથી. આ શરીર અંગો, પદાર્થો, ખોરાક વગેરેનો સંગ્રહ છે. હું એ નથી કહી શકતો કે હું જન્મ્યો હતો, છતાં ‘હું’ તો છુંજ .

જન્મ એ પરિવર્તનની પ્રક્રિયા માત્ર છે, પણ ‘હું’ અપરિવર્તનશીલ છું તેથી મારો જન્મ અશક્ય છે.

કોઈ જન્મપત્રી સાક્ષીની જન્મ તારીખ ના બતાવી શકે. સાક્ષીમાં એવું કશું નથી જે આકાર/રૂપ ધારણ કરી શકે, સાક્ષી નિરાકાર છે, આ પ્રમાણે સાક્ષી જન્મ નથી લઈ શકતો. માત્ર શરીર જ જન્મી શકે છે, ‘હું’ (સાક્ષી) નહીં.

તેથી મારો(સાક્ષી નો) જન્મ અશક્ય છે.

પરિણામ: હું અજાત છું, હું અજન્મા છું

ઉંમર અને મૃત્યુ

શું હું વૃદ્ધ થઈ રહ્યો છું?

જો મારો જન્મજ ન હોય, તો શું હું વૃદ્ધ થઈ શકું?

વૃદ્ધત્વ પરિવર્તનની પ્રક્રિયા છે. પરંતુ ‘હું’ ક્યારેય બદલાતો નથી, તેથી ‘હું’ ક્યારેય વૃદ્ધ થતો નથી. સાક્ષીમાં એવું કશું નથી જે વધી શકે અથવા જે સમય સાથે બદલી શકે.

જે કોઈ જન્મે, શું તે મરી શકે ?

વૃક્ષો જન્મે છે અને તે મરે પણ છે, માટી ફરી માટીમાં મળી જાય છે. મનુષ્ય જન્મે છે અને મૃત્યુ પામે છે. પદાર્થ ની રચના, સંગઠિકરણ અને વિઘટન થાઈ છે. કશું બચતુ નથી. કોઈપણ વસ્તુ જે જન્મે છે તે મૃત્યુ પામે છે. મૃત્યુ પણ પરિવર્તન માત્ર છે, એક સ્વરૂપ થી બીજા સ્વરૂપમાં.

જો મારો જન્મજ ન હોય, તો શું ‘હું’ મરી શકું?

જન્મ પણ એક પરિવર્તન ની પ્રક્રિયા છે, પણ ‘હું’ નિત્ય છું.

‘હું’ ક્યારેય જન્મ્યો નથી, ‘હું’ મરી શકતો નથી. મૃત્યુ પણ એક અવસ્થા છે જે એકથી બીજા સ્વરૂપમાં બદલાઈ રહી છે.

પરિણામ:’હું’ અજર અને અમર છું.

મુક્તિ અને પુનર્જન્મ

જો મારા માટે જન્મ કે મૃત્યુ નથી તો શું મારો પુનર્જન્મ શક્ય છે?

હું ક્યારેય જન્મ્યો નથી, હું ક્યારેય મરીશ નહીં અને તેથી મારા પુનર્જન્મનો પ્રશ્ન નથી. જે વારંવાર જન્મ લે છે તે ‘હું’ નથી.

પરંપરાગત રીતે મુક્તિ શું છે. મુક્તિ એટલે વ્યક્તિના જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાની કલ્પના છે.

શું મારા માટે નવો જન્મ લેવો શક્ય છે? ના! કારણ કે હું પહેલેથી જ આ ચક્રમાંથી મુક્ત છું.

અહીંજ અને અત્યારેજ ‘હું’ મુક્ત છું.

સ્વતંત્રતા શું છે: જ્યાં કોઈ પણ જાતનું બંધન નથી. શું એવું કંઈ છે, જે સાક્ષીને બાંધી શકે?

શું મારે ખાવાની, સૂવાની કે આરામની જરૂર છે? શું કોઈ મને જેલમાં મૂકી શકે? આની કસોટીથી એવું સાબિત થાઇ છે કે સાક્ષીને કોઈ બંધન કે મર્યાદા નથી. મારામાં કોઈ સીમા નથી. ‘હુ’ અસીમ છું.

પરિણામ: ‘હું’ મુક્ત, સ્વતંત્ર, અસીમ અને અનંત છું.

શાંતિ અને આનંદ

જ્યારે કોઈ ઈચ્છા ન હોય, કોઈ વિચાર ન હોય, લાગણી ન હોય, કરવાનું પણ કંઈ ન હોય તો શું ‘હું’ ત્યારે શાંતિમાં નથી? એવું શું છે, જે આ શાંતિમાં ખલેલ પહોચાડી શકે?આ શાંતિને ભંગ કરે એવું કશું નથી.

શાંતિ એટલે સુખ અને દુ:ખ બંનેની સંપૂર્ણ ગેરહાજરી. આજ અવસ્થાને આનંદ કહેવાય છે. આનંદ મારો મૂળ સ્વભાવ છે.

પરિણામ: ‘હું’ નિત્ય શાંતિપૂર્ણ અને આનંદિત છું. આ આનંદ કદી જતો નથી.

પ્રેમ

ઉપર પ્રમાણે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં શું કહીશ શકાય કે ‘હું’ કોણ છું?

શું આપણી વચ્ચે મૂળભૂત રીતે કોઈ તફાવત છે?

શું બાટલીમાંનુ અને ગ્લાસમાંનું પાણી બંને અલગ અલગ છે? જ્યારે બાટલી અને ગ્લાસ તૂટી જાય, ત્યારે શું આપણે પાણીને અલગ કરી શકીએ? ના, પાણી તત્વ છે, જુદા જુદા પાત્રમાં પણ પાણી તો એજ છે.

તમે ગમે તે હોવ, ‘હું’ પણ તેજ છું. તમારા અને મારામાં કોઈ ભેદ નથી. ‘હું’ અનુભવકર્તા છું, અને તમે પણ તેજ છો.

સમુદ્રમાં બે તરંગ- એક કહે છે કે હું પાણી છું અને બીજો કહે છે કે હું પણ પાણી છું. શું તેઓ સમાન છે કે અલગ અલગ? કદાચ રૂપ અલગ અલગ છે, પરંતુ તેઓ એક છે.

આકાર/રૂપ અલગ અલગ હોઈ શકે, હું આકાર નથી, પરંતુ જે શેષ રહે છે- તે તત્વ છે. જ્યારે કોઈ આકાર /રૂપ નથી, ત્યારે તમે અને હું એક જ છીએ. તો ‘તું હું છું’ અને ‘હું તું છું’. શું એક હોવા કરતાં પણ, વધારે સારો પ્રેમ સંબંધ હોઈ શકે? શું આનાથી વધુ નિકટતા શક્ય છે? જ્યારે બે માથી એક બને છે, તે પ્રેમ છે. કોઈ ભેદ નથી. હકીકતમાં આપણે એક જ ‘સાક્ષી’ છીએ.

સારાંશ માં કહીએ તો, હું છું:

  • અજન્મા
  • અમર
  • અરૂપ
  • અજર
  • નિરાકાર
  • નિરંતર
  • કારણહીન
  • અપરિવર્તનીય
  • શુદ્ધ / પવિત્ર
  • શૂન્ય /ખાલી
  • શાશ્વત
  • મુક્ત
  • શાંત
  • આનંદ
  • પ્રેમ

આ મારું અસ્તિત્વ છે, આજ ‘હું’ છું.

આજ આત્મજ્ઞાન અથવા તો આત્મસાક્ષાત્કાર છે.

બીજો દિવસ: માયા નુ જ્ઞાન

આપણે ફરીથી પ્રત્યક્ષ અનુભવ અને તર્ક ના સાધનો નો ઉપયોગ કરીશું અને જોઇશુ કે આપણે જે અનુભવી શકીએ, તે એક ભ્રમ છે અથવા કહીશું કે તે મિથ્યા/માયા છે; તેમાં કઈપણ તથ્ય નથી.

પ્રત્યક્ષ અનુભવ

તમારી જાતને એક પછી એક પ્રશ્નો પૂછો.

હું અત્યારે ક્યાં છું? (અથવા અત્યારે મારું શરીર ક્યાં છે?)

મારી સામે શું છે? (પદાર્થનું નામ આપો) ચાલો આપણે આ પદાર્થને જ જોઈએ. શું હું પદાર્થ ને જોઈ રહ્યો છું? અથવા પદાર્થ નો સીધો અનુભવ કરી રહ્યો છું? અથવા હું એજ જાણી રહ્યો છું જે મારી આંખો(ઇન્દ્રિય) મને બતાવી રહી છે?

આ પ્રમાણે, તમારી ઇન્દ્રિય વસ્તુ વિશે જે પણ અનુભૂતિ કરાવી રહી છે તેજ તમે અનુભવી રહ્યા છો.

આ વિષયમાં કોઈ શંકા છે?

હવે, ધારોકે આપણી સામે હમણાં લાલ ટામેટાં છે.

ટામેટાંનો રંગ શું છે?

જવાબમાં ‘લાલ’ કહેવાની શક્યતા છે. જો આપણે આ ટામેટાં પર વાદળી પ્રકાશ પાડીએ તો ટામેટાંનો રંગ શું હશે? તે કાળો હશે. ટામેટાં લાલ દેખાય છે કારણ કે તે સફેદ પ્રકાશ લે છે, બધા રંગ શોષી લે છે અને લાલ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. જો આપણે તેમાંથી લાલ પ્રકાશ કાઢી નાખીએ, તો તે બધા પ્રકાશને શોષી લેશે અને કાળો રંગ દેખાશે.

ટામેટાંનો વાસ્તવિક રંગ શું છે? કોઈ કહેશે કે જે સુર્યના પ્રકાશમાં દેખાય છે તેજ રંગ વાસ્તવિક છે અને કોઈ કહશે જ્યારે એનપર વાદળી પડે છે ત્યારે વાસ્તવિક છે, આ પ્રમાણે અલગ અલગ વ્યકતિઓ અલગ અલગ રંગના પ્રકાશમાં ટામેટાં ને જોઈ તો ટામેટાંનો વાસ્તવિક રંગ શું છે?

ત્યાં કોઈ વાસ્તવિક રંગ નથી. લાલ રંગ માન્યતા છે. ઘણા લોકો સંમત થશે કે, તે લાલ છે. ચાલો આપણે કહીએ કે અગર સૂર્યમાં સફેદ ના બદલે વાદળી પ્રકાશ હોય , તો દરેક જણ સહમત થશે કે, ટામેટાં કાળા છે એજ વાસ્તવિકતા બની જશે. આપણી આંખો આપણને આકાર અને રંગ બતાવે છે એ આપણો અનુભવ છે. વાસ્તવિકતા શું છે તે જોવું શક્ય નથી. તેથી જે આપણે જોઈએ છીએ ત્યાં કોઈ વાસ્તવિક રંગ નથી, પરંતુ માયા છે.

ધારોકે કોઈ વ્યક્તિ હોય જેની આંખોમાં સમસ્યા છે અને જેના કારણે તેને એક ના બે દેખાય છે. તો તે કહેશે કે ટામેટાં એક નથી બે છે. તો શું ત્યાં બે ટામેટાં છે?

જો દરેકની આંખમાં આવી ખામી હોય તો કેટલા ટામેટાં જોવા મળશે? જવાબ-બે. સત્ય વ્યક્તિઓ વચ્ચે એક સંમતિ માત્ર છે.

એવા પણ લોકો છે, જે ટ્રાફિક લાઇટ જોઈ શકતા નથી. તેમણે તે રંગો ક્યારેય જોયા નથી. અંધ વ્યક્તિ માટે ચંદ્ર અને તારાઓ નથી. વિશ્વ ઇન્દ્રિયોને કારણે દેખાય છે. વિવિધ જીવોની જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. કેટલાક જીવો આપણા કરતાં પણ સારી ઇન્દ્રિયો ધરાવે છે.

ધારોકે તમારો સ્પર્શ પણ વિકૃત છે અને જ્યારે તમે કોઈ વસ્તુને સ્પર્શ કરો છો ત્યારે તે બે જણાય છે. તો હવે મનમાં કોઈ શંકા જ ના બચે કે, ટામેટાં બે છે.

ટામેટાંનો ભ્રમ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો આપણને જાણ કરે છે કે ત્યાં શું છે. વાસ્તવમાં ત્યાં શું છે તે જાણવું શક્ય નથી. જ્યારે તાવ આવે ત્યારે આપણે જે કંઈ ખાઈએ છીએ તે સ્વાદહિન લાગે છે. વસ્તુઓ માં કોઈ સ્વાદ નથી. તે જીભ છે જે આપણને સ્વાદ ની અનુભૂતિ કરાવે છે. વાસ્તવમાં સ્વાદ જેવુ કઇ નથી.

ચાલો એક વધુ ઉદાહરણ લઈએ- આપણે ત્રણ વાટકામા પાણી લઈએ. એક વાટકા મા ઉકડતું પાણી, બીજો વાટકામા મધ્યમ તાપનું (ઓરડાના તાપમાનનું ) પાણી અને ત્રીજા વાટકામા ઠંડુ બરફ જેવુ પાણી છે.

તમે તમારા હાથને ઉકળતા પાણીમાં ડૂબાડો અને પછી તમે મધ્ય વાટકીમાં ડૂબાડો, તમારા હાથને તે ઠંડુ લાગશે. પછી તમે બરફના ઠંડા પાણીમાં ડૂબાડો, તેને ફરીથી મધ્યમ વાટકીમાં ડૂબાડો, તમારા હાથ તે પછી ગરમ લાગશે. મધ્ય વાટકીમાં પાણી ગરમ છે કે ઠંડુ? તે ત્રીજા વાટકાની તુલનામાં ગરમ ​​છે, પરંતુ પ્રથમ વાટકાની તુલનામાં ઠંડુ છે.

તે સાપેક્ષ છે. ઇન્દ્રિયો બતાવે છે. ત્યાં કોઈ ગરમ કે ઠંડુ નથી.

ચાલો આપણે એક વધુ ઉદાહરણ લઈએ- જો તમે છેલ્લા 3 દિવસથી ભૂખ્યા હોય તેવા ભિખારીને વાસી રોટલી આપશો તો તેની પ્રતિક્રિયા શું હશે? જો તમે તેને દસ રૂપિયા પણ આપશો તો તે ખૂબ ખુશ થશે. પણ જો તમે તે જ રોટલી અથવા દસ રૂપિયા કોઈ કરોડપતિને આપો તો તેને કેવું લાગશે? તે ક્રોધિત અને અપમાનિત મહેસૂસ કરશે. તો એ કેવી રીતે શક્ય છે કે સમાન પદાર્થો એક વ્યક્તિને સુખ અને અન્ય વ્યક્તિને દુખ આપી શકે? (પદાર્થો નો) અનુભવ તદ્દન વ્યક્તિનિષ્ઠ છે.

સુખ નથી અને દુ:ખ પણ નથી. સુખ દુ:ખ બંને કોઈપણ વસ્તુ પર આધારિત નથી. તે એક ભ્રમ/માયા છે.

આ સીધો અનુભવ હતો. ચાલો તર્ક જોઈએ.

તર્ક

જો હું કહું કે મારું નામ શિવમ છે, અને તે હું રોજ એજ નામ કહું છું, તો મારું નામ શું હશે?-શિવમ. પણ જો હું કહું કે એક દિવસ મારું નામ રાજીવ છે, બીજા દિવસે મહેશ, ત્રીજા દિવસે સુરેશ- તો ત્યાં મારું નામ શું છે? તો કોઈ વાસ્તવિક નામ નથી, કારણ કે તે બદલાતું રહે છે. તમે જોઈ શકો છો કે, જે બદલાય જાય તે સત્ય નથી.

તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ અને દુકાનદાર કહે કે તે ૫૦ રૂપિયાની છે, બીજા દિવસે તે ૭૦ રૂપિયાની અને ત્રીજા દિવસે તે જ વસ્તુ ૩૦ રૂપિયાની કહે છે; જો દરરોજ કિમત બદલતી રહે તો વાસ્તવિક કિંમત શું છે? કોઈ વાસ્તવિક કિંમત નથી કારણ કે તે બદલાય છે.

હું મિલકત ખરીદવા જાઉં છું અને જ્યારે હું વ્યક્તિ સાથે વાત કરું અને તે મને મિલકત વિશે ચોક્કસ વિગતો આપે છે. પછી હું દસ્તાવેજ માંગું છું અને જ્યારે દસ્તાવેજમાં વિગતો અલગ હોય, તો શું હું તે મિલકત ખરીદીશ? ના, કારણ કે વિગતો બદલાઈ ગઈ છે, વિશ્વસનીય નથી.

હું એક વ્યક્તિ ને મળું છું અને તેને એક સારા સાથી તરીકે જોઉ છું , પરંતુ એક મહિના ના સમય ગાળામાં હું અવલોકન કરું છું કે, તે જૂઠું બોલે છે, ચાલાકી કરે છે, અને ખરાબ વાતો પણ કરે છે, હવે તે વિશ્વાસપાત્ર નથી લાગતો. હવે આપણે જાણીએ છીએ કે તે અસલી નથી. શું હું તેના પર વિશ્વાસ કરીશ? ના, કારણ કે તે બદલાઈ રહ્યો છે.

સત્ય છે કે અસત્ય તે જાણવાની સામાન્ય રીત એ છે કે, તે બદલાય છે કે નહીં તે તપાસવું.

જ્યારે હું સમુદ્ર તરફ જોઉં છું, ત્યારે મને દરિયામાં મોજાઓ દેખાય છે. શું હું દરિયાને છોડીને ફક્ત મોજાઓ મારી સાથે લઇ જઇ શકું? શું બદલાઇ રહ્યું છે- મોજા કે પાણી? કારણ કે મોજાઓનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, તેઓ વાસ્તવિક હોઈ શકતા નથી. તેઓ પાણી પરનો આકારમાત્ર છે, તેઓ એક માન્યતા/ખ્યાલ છે. આપણે પાણીપરની ઘટનાને મોજાનું નામ આપ્યું છે. વાસ્તવમાં મોજાઓનું રૂપ બદલાઈ રહ્યું છે, પાણી એનું એજ છે.

ચાલો માટીના વાસણ અને માટીનું ઉદાહરણ લઈએ? શું હું માટી લીધા વિના, માટીના વાસણ લઈ જઇ શકું? અહીં શું બદલાઈ રહ્યું છે, આકાર કે માટી? હકીકતમાં વાસણ બદલાઈ રહ્યા છે, માટી નહીં.

ચાલો દાગીના અને સોનાનું ઉદાહરણ લઈએ. દાગીના કોઈપણ આકાર લઈ શકે છે પરંતુ સોના વગર દાગીના શક્ય નથી. આકાર/રૂપ બદલાઇ રહ્યાં છે, તત્વ(સોનું) નહીં. તત્વ(સોનું) બદલાતું નથી.

જ્ઞાનમાર્ગ પર આપણે કહીએ છીએ કે જે બદલાય જાય છે તેનું અસ્તિત્વ નથી, તે વસ્તુ મિથ્યા છે., તે માત્ર એક વિચાર/માન્યતા છે. સાર એ છે કે જે અપરિવર્તનીય છે તેનેજ સત્ય ગણવામાં આવે છે.

હવે આપણે આપણો અનુભવ જોઈએ. શું તમારા અનુભવમાં એવું કંઈ છે, જે બદલાતું નથી?

બધુ બદલાય રહ્યું છે, તેથી બધું ખોટું છે, માયા છે. કંઇજ વાસ્તવિક નથી.

માત્ર એક જ એવું છે, જે બદલાતું નથી અને તે ‘તમે’ છો.

ઇન્દ્રિયો કંઇક અનુભૂતિ કરાવી રહી છે, પણ ત્યાં વાસ્તવમાં શું છે, એ જાણવું શક્ય નથી. જ્યારે આપણે કઈક અનુભવીએ છીએ, તેને શા માટે વાસ્તવિક માનીએ છીએ? કારણ કે અન્ય વ્યક્તિઓ પણ એજ વસ્તુની ગવાહી આપે છે. અગર કોઈ વ્યક્તિ એ વસ્તુ બધા કરતાં કઈક અલગ રૂપે જુએ છે, તો આપણે તેની સંવેદનામાં કંઈક ખામી છે એવું માનીએ છીએ પરંતુ આપણે આપણી સંવેદનામાં ખામી નથી માનતા.

ધારોકે કે એક કલાકાર ચિત્ર જુએ છે, તે ત્યાં કંઈક અર્થ જુએ છે, જ્યારે એક ગામડિયો તે ચિત્રમાં ફક્ત અવ્યવસ્થિત રંગો જ જોશે. ચિત્ર સુંદર છે કે કુરૂપ/કઢંગું છે તે વ્યક્તિગત માન્યતા છે. તદ્દન માનસિક વસ્તુ છે. આની માન્યતા જોનાર વ્યક્તિ પર આધાર રાખે છે. સુંદરતા એક ભ્રમ/માયા છે. કારણકે બધાની સહમતી શક્ય નથી તેથી એ ચિત્ર સુંદર છે એમ કહેવું યોગ્ય નથી.

નશ્વરતા

ચાલો ટામેટાનું બીજું ઉદાહરણ લઈએ. જો આપણે ટામેટા લઈએ અને ૫ દિવસ સુધી ટેબલ પર રાખીએ તો શું થશે? સડી જશે.

હવે આપણે બધુંજ સંવેદનાઓ, વિશ્વના નિયમો અને મનને જેમ છે તેમજ રાખીએ, અને સમયને ઝડપી બનાવી દઈએ, જેમ આપણે વિડિયોને ઝડપી આગળ (fast forward) કરીએ છીએ. ચાલો હવે ૫ કલાકમાં ટામેટાં સડી ગયા, અને તે હવે નથી. હવે તા ટામેટા વિશે શું કેહશો? શું તે વાસ્તવિક છે?

હવે ચાલો સમયને વધુ ઝડપી કરીએ, ધારો કે હવે માત્ર ૫ મિનિટમાં ટામેટા સડી જાય છે. તો શું તે વાસ્તવિક ટામેટા છે?

હવે ચાલો સમયને અતિ ઝડપી કરીએ અને માત્ર ૫ સેકન્ડમાં સડી જાય છે. તમે ટામેટા મુકો અને કાપવા માટે છરી ઉપાડો, તે ૫ સેકન્ડમાં અદૃશ્ય થઈ જાય છે. તમે ટામેટા વિશે શું વિચારશો? તમને લાગશે કે તમે કદાચ ટામેટાનું સપનું જોતા હતા. જો તમારી પાસે ખરેખર ટામેટા હોય તો ત્યાં શંકા થઈ શકે કે, તે વાસ્તવિક છે, જે ખોટું છે.

હવે સમયને અતિશય ઝડપી બનાવીએ અને તે એક ક્ષણમાં જ ગાયબ થય જાય છે. તો શું ત્યાં ટામેટા છે?

તમે એથી આગળ પણ ઝડપ વધારી શકો છો. આંખોની સીમાની બહાર. તમે તેને નોટિસ કરો તે પહેલાં, તે ગાયબ થઇ ગયા છે.

સમયને ઝડપી વધારતા જે વાસ્તવિક અને ઉપયોગી લાગતું હતું, તે સંપૂર્ણપણે નકલી અને મિથ્યા સાબિત થાય છે. અને જો સમય ખૂબજ ઝડપથી બદલાય તો ત્યાં કંઈ છેજ નહી. ત્યાં માત્ર પરિવર્તન છે. શું બધું આવુંજ નથી?

વસ્તુઓ ની સ્મૃતિ અને તેમાં થતાં ધીમા પરિવર્તનને કારણે, વસ્તુ સ્થાઈ અને વાસ્તવિક ભાસે છે.

ટામેટા ૫ દિવસ સુધી સ્મૃતિ માં રહે છે અને અસ્તિત્વ માટે ઉપયોગી છે તેથી તે વાસ્તવિક લાગે છે. બધું આવુંજ છે, જ્યારે પણ આપણે સમયને ઝડપી બનાવીએ છીએ ત્યારે બધુ સ્વપ્નવત થઈ જાય છે. આપણે સ્વપ્નની ક્ષણિકતા જોઈ શકીએ છીએ કે, તે કેટલું ઝડપી છે અને કેટલું અર્થહીન છે. આપણે કહીએ છીએ કે સ્વપ્ન માં બધુ અવાસ્તવિક, ખોટું અને અર્થહીન હતું. જો તમારી સરખામણીમાં બધું ઝડપથી બદલાવાનું શરૂ થાય છે, તો તે સ્વપ્નજ લાગશે.

ચાલો બીજું ઉદાહરણ લઈએ. એક દિવસ તમે બહાર જાઓ છો અને એક સુંદર બગીચો જુઓ છો. બીજા દિવસે તમે સુંદર બગીચાના બદલે ખંડેર જુઓ છો, જાણે કે ૧૦૦ વર્ષ વીતી ગયા હોય. પછીના દિવસે તમને તે રણ દેખાઈ છે અને અન્ય ૧૦૦ વર્ષ વીતી જાય છે. અન્ય દિવસે તમે જાગો ત્યારે તમને એક પર્વત દેખાય છે. બીજા ૧૦૦ વર્ષ વીતી ગયા. શું તમે તેને સત્ય માનશો ? શું બધું પહેલેથી નિર્ધારિત નથી? પરંતુ માત્ર ધીમાં પરિવર્તન ને કારણે વસ્તુઓ વાસ્તવિક લાગે છે.

વિચારો અને લાગણીઓ નું પણ આવુજ છે. લાગણીઓ તથા વિચારો પણ ઝડપથી બદલાય છે. તેઓ પુનરાવર્તન કરે છે તેથી આપણને વાસ્તવિક લાગે છે. દરેક અનુભવ આવાજ હોય છે. અનુભવની સ્મૃતિ છે તેથી તે વાસ્તવિક લાગે છે. માયા માં નિયમિતતા / સુસંગતતા છે.

તેથી જો તમે નિરંતર ગુસ્સામાં હોવ તો ગુસ્સો તમને વાસ્તવિક લાગશે. પરંતુ જો તમે જીવનમાં માત્ર એક જ વાર ગુસ્સો અનુભવો, તો તમે જાણશો કે તે વાસ્તવિક નથી. કારણ કે ગુસ્સો ફરી ફરી આવે છે તેથી આપણને તે વાસ્તવિક ભાસે છે. જો ગુસ્સો પુનરાવર્તન કરવાનું બંધ કરે તો તે વાસ્તવિક નહીં લાગે. સ્મૃતિ પુનરાવર્તન છે અને તેથી તે વાસ્તવિક લાગે છે. સ્મૃતિ અસ્તિત્વ માટે ઉપયોગી છે; તેજ પ્રમાણે પ્રેમ પણ ઉપયોગી છે, અને ગુસ્સો પણ ઉપયોગી છે વગેરે વગેરે.

સત્ય ના માપદંડ આમ મનમાન્યા અને વ્યક્તિગત છે. દરેક પોતપોતાના માપદંડ નિર્ધારિત / નક્કી કરી શકે છે. પોતપોતાના માપદંડ તેમની સમજ અને પસંદ/નાપસંદ અનુસાર હોય છે.

જો ૨૦ લોકો ટામેટાને જુએ અને દરેક કહે કે, ટામેટાં લાલ, ગોળ અને સ્વાદિષ્ટ છે, તો ટામેટાં વાસ્તવિક લાગે છે.

હવે આપણે બીજી શક્યતા જોઈએ, ધારોકે તમારા સ્વપ્નમાં ૨૦ લોકોએ ટામેટાં જોયા , અને જ્યારે તમે જાગો ત્યા શું ટામેટાં ખરેખર હતા? જાગૃતિ તથા સ્વપ્નના માપદંડ સમાન હતા, છતાં એક સ્થિતિ માં ટામેટાં વાસ્તવિક હતા અને બીજામાં તે ફક્ત ભ્રમ/માયા છે.

સ્મૃતિ / યાદશક્તિ

કેટલાક લોકો એ કહી શકે કે ઘટનાઓ અથવા વસ્તુઓ ભલે તેઓ તદ્દન બદલાઈ જાય કે અદૃશ્ય થઈ જાય, પરંતુ તેઓ સ્મૃતિ માં હોવાથી તેઓ વાસ્તવિક છે. જો ટામેટા તમારી સ્મૃતિ માં છે, તો શું તે વાસ્તવિક છે? શું તમે સ્મૃતિમાંના ટામેટાં ખાઈ શકો છો? સ્મૃતિમાં જે પણ જમા થાય છે તે સ્મૃતિમાં છાપ માત્ર છે. તમારી સ્મૃતિ માં કંઈપણ વાસ્તવિક નથી. તમારું આખું જીવન એક છાયા માત્ર છે. ત્યાં કોઈ વ્યક્તિ નથી,કોઈ જીવન નથી. તદ્દન અવાસ્તવિક છે, મિથ્યા છે. તમે કહી શકો છો કે, “‘હું’ આ છું કે તે છું”? હું ડોક્ટર, વકીલ, લેખક, વૈજ્ઞાનિક વગેરે છું? કે ‘હું’ કોઈનો પુત્ર/પુત્રી, કે પતિ / પત્ની છું, તમે તમારા જીવન માં ઘણું બધું કર્યું છે,તમે એક મહાન દેશ ના નાગરિક, શ્રેષ્ઠ જાતિના છો ; આ બધુંજ સ્મૃતિમાં સંગ્રહિત છે, જે ફક્ત એક છાયા છે.

સ્મૃતિ વાસ્તવિક નથી.સ્મૃતિ માં સંગ્રહિત કંઈપણ વાસ્તવિક નથી. પરંતુ સ્મૃતિ અસ્તિત્વ માટે ઉપયોગી છે. જો તમને અસ્તિત્વ માટે તેની જરૂર ના હોય, તો તમે તેનો ત્યાગ કરી શકો છો . તમારે એ સમજવા ની જરૂર છે કે તમારે ટકી રહેવાની જરૂર નથી, શરીરને ટકી રહેવાની જરૂર છે. પણ ‘તમે ’ તો શરીર નથી.

તમને સ્મૃતિ ની બિલકુલ જરૂર નથી, તમારે જગતની ની પણ જરૂર નથી, શરીરને જગતની જરૂરત છે. તમે જગત ને ખરું માની લીધું છે કારણ કે તમે સ્મૃતિને ત્યાગી શકતા નથી.

આપણું જીવન સ્મૃતિમાં વણાયેલી માયાજાળ છે. પરંતુ આ માયાજાળને સત્ય માનીને આપણું પૂરું જીવન અજ્ઞાનમાં પસાર કરીએ છીએ. જ્યારે આપણે સાક્ષીભાવમાં રહીએ છીએ ત્યારે આપણે સત્યમાં જીવીએ છીએ. અને સાક્ષીભાવમાં રહીને આપણે સત્ય શું છે અને અસત્ય શું તેમાં ભેદ જાણી શકીએ છીએ.

આજ મિથ્યા નું જ્ઞાન છે, માયાનું જ્ઞાન છે.

સાક્ષી ને છોડી ને બધું માયા છે.

ત્રીજો દિવસ: એકતાનું જ્ઞાન, બ્રહ્મજ્ઞાન

અહીં આપણે એકતાના જ્ઞાનની (બ્રહ્મજ્ઞાનની) તપાસ કરીશું અને જોઇશુંકે: બધુંજ એક કઈ રીતે છે ? કેવી રીતે દ્વૈત(બે) નથી ? શા માટે અસ્તિત્વ અદ્વૈત છે ?

અસ્તિત્વ

ચાલો, પહેલા અસ્તિત્વ શું છે એ જોઈએ. જે પણ કઈ છે, એ બધુ અસ્તિત્વ જ છે. અહિયાં શું શું છે? તમે જે પણ જોશો ત્યાં અનુભવ અને અનુભવકર્તા મળશે. તેઓ બંને હંમેશા સાથે હોય છે.અનુભવ અને અનુભવકર્તા જ મૂળભૂત છે અને આજ અસ્તિત્વ છે. આપણે જોઇ શકીએ છીએ કે અનુભવ અને અનુભવકર્તા એક જ છે અને આપણે તેને અસ્તિત્વ કહીએ છીએ.

શું તમે અનુભવ અને અનુભવકર્તા સિવાય બીજું કઈ ક્યારે પણ જોયું છે? જ્યારે પણ તમે કહો છો કે, અસ્તિત્વમાં કંઈક છે તો તમારે તેનો અનુભવ કરવો આવશ્યક છે. આમાં તમને પુરાવાની જરૂર પડશે, અને પુરાવા હંમેશા અનુભવ પરજ આધારિત હશે. જેનો અનુભવ શક્ય નથી, છતાં જે છે, તે અનુભવકર્તા છે.તે સર્વત્ર સત્ય છે કે અનુભવ ભ્રમ/માયા છે અને અનુભવકર્તાજ સત્ય/સાર છે.

તો જો અસ્તિત્વ અનુભવ અને અનુભવકર્તા છે, તો અસ્તિત્વનો સાર શું છે? અસ્તિત્વ ખરેખર શું છે? તે અનુભવ અને અનુભવકર્તા છે. અને અનુભવકર્તા દેખીતી રીતે ‘હું’ છું. તો અસ્તિત્વનો સાર ‘હું’ છું.

સમગ્ર અસ્તિત્વ હુંજ છું. આમાં કોઈ શંકા છે?

હંમેશા સાથેસાથે ( અનુભવ અને અનુભવકર્તા)

ચાલો એને બીજી રીતે પણ જોઈએ અને વધુ પુરાવા શોધીએ. શું અનુભવકર્તા વગર અનુભવ શક્ય છે? શું અનુભવ વગર કોઈ અનુભવકર્તા હોય શકે?

આ બંને અનુભવ અને અનુભવકર્તા હંમેશા સાથે હોય છે. શા માટે? જો કોઈ વસ્તુ હંમેશા સાથે હોય, તો આપણે તેમને અલગથી જોઈ શકતા નથી. તો એમ કહેવાય કે, તેઓ એક છે. જેમ માટી વગર વાસણ શક્ય નથી, સોના વગર આભૂષણ નથી હોતા, અને પાણી વગર ક્યારેય મોજા નથી બનતા. સોનામાં પરિવર્તન આભૂષણ, માટીમાં પરિવર્તનનું વાસણ, અને પાણીમાં પરિવર્તન મોજા/તરંગ છે.

અનુભવ અને અનુભવકર્તામાં, અનુભવ પરિવર્તનશીલ છે, અને અનુભવકર્તા અપરિવર્તનશીલ છે, અને બંને એક છે. તેથી જે પણ છે તે મારુજ રૂપ છે. આ પ્રમાણે કોઈપણ રૂપ કે આકાર મારા વગર શક્ય નથી.બધા રૂપ/આકાર હુંજ છું. ચિત્ત અનુભવ અને અનુભવકર્તામાં વિભાજન કરે છે. પરંતુ ચિત્ત એક અનુભવ માત્ર છે અર્થાત તે એક ભ્રમ/માયા છે, અને મિથ્યાજ કહી રહ્યું છે કે દ્વૈત છે.

વિભાજન

ચાલો હવે આપણે 'બે' છે એના પુરાવા શોધીએ. શું અનુભવ અને અનુભવકર્તા વચ્ચે કોઈ દૂરી છે? ચાલો હવે આપણે પ્રત્યક્ષ અનુભવથી ચકાશીએ.

તમારી જાતને નીચેના પ્રશ્નો ક્રમબદ્ધ પૂછો:

તમે ક્યાં છો?

તમારી સામે શું છે? (ઉદાહરણ તરીકે મોબાઈલ ફોન)

અનુભવકર્તાથી પદાર્થ (મોબાઈલ ફોન) કેટલો દૂર છે?

ટેપ અથવા ફૂટપટ્ટી નો ઉપયોગ કરીને માપવાનો પ્રયાસ કરીએ. અંતર શરીરથી ન માપો પરંતુ અનુભવકર્તાથી માપો. ચિત્ત કહે છે કે વસ્તુ કયાંક બહાર છે અને કેટલાક અંતર પર છે. અજ્ઞાનવશ એ આભાસ થાય છે કે હું શરીર છું, અને શરીરથી તે વસ્તુ દૂર ભાસે છે. પરંતુ અનુભવકર્તાથી/તમારાથી/સાક્ષીથી તે વસ્તુ કેટલી દૂર છે. શું તે દૂરી ફૂટપટ્ટીથી કે ટેપથી માપવું સંભવ છે?

જ્યાં અનુભવકર્તા છે, ત્યાં અનુભવ છે. તેઓ બંને હંમેશા અહીંજ અને હમણાંજ છે. બાકી ચિત્ત દ્વારા રચિત કોરી કલ્પના છે. અગર પ્રત્યેક વસ્તુ ત્યાં છે જ્યા તમે છો, તો સંપૂર્ણ સંસાર(જગત) જ્યાં તમે છો ત્યાંજ છે. બાકી બધુ ઇન્દ્રિયો દ્વારા રચિત માયા/ભ્રમણા માત્ર છે, ત્યાં કશું જ નથી. ઈન્દ્રિયો દ્વારા થતાં અનુભવો બધા માનસિક હોય છે. મને તમારા અનુભવ ખબર નથી પડતાં અને તમને મારા અનુભવ ખબર નથી પડતાં. તેથી આપણે કાવ્યાત્મ રીતે કહી શકીએ કે બધું મારી અંદર છે. મારાથી કંઈ અલગ નથી. એ બધું મારા માં છે. હું અસ્તિત્વ છું અને બધું મારામાં છે. આ પ્રત્યક્ષ અનુભવ છે.

ચાલો આપણે એક વધુ ઉદાહરણ જોઈએ.

શું અનુભવ પહેલા થાય છે અને અનુભવકર્તા પછી આવે છે?

શું અનુભવકર્તા પહેલા આવે છે અને અનુભવ પછી?

સર્વત્ર અને હમેશા અનુભવ અને અનુભવકર્તા એક સાથે હોય છે ક્યારે કોઈ ભિન્નતા શક્ય નથી. તેમણે અલગ કરવું સંભવ નથી. અનુભવ પ્રત્યક્ષ અને બદલાય છે. અનુભવમાં પરિવર્તન છે પરંતુ કોઈ પણ અનુભવ અનુભવકર્તા થી અલગ નથી. તરંગો બદલાઈ છે પણ શું તે પાણીથી અલગ છે? માટીનો આકાર બદલાય છે પણ શું ઘડા અને માટી વચ્ચે ભિન્નતા છે? ચિત્ત અનુભવ અને અનુભવકર્તા વચ્ચે ભેદ નિર્મિત કરે છે અને તે કહે છે કે તે બે છે પરંતુ ત્યાં માત્ર અદ્વૈત છે.

સીમારેખા

આ જાણવાનો હજી એક ઉપાય છે.

વિષય / વસ્તુ અને મારા વચ્ચે સીમારેખા ક્યાં છે?

જો વસ્તુ બહાર છે તો પછી અનુભવકર્તા ક્યાંથી શરૂ થાય છે અને અનુભવ ક્યાં સમાપ્ત થાય છે.

માન્યતાને કારણે આપણને વસ્તુઓને શરીરની બહાર ક્યાંક જોઈએ છીએ, પણ આ શરીર છે ક્યાં? તો આપણે કહીશું કે શરીર મનની બહાર છે. તો પછી મન ક્યાં છે? તો કેટલાક લોકો કહેશે કે, તે ‘મારી’ બહાર છે. તે ‘હું’ નથી. મારી અને મન વચ્ચે સીમારેખા ક્યાં છે?

તમે કહેશો કે વિષય / વસ્તુ બહાર છે, તો વિચારો વિશે તમે શું કહેશો ?

હકીકત માં કોઈ સીમારેખા નથી. અજ્ઞાનના કારણે ભ્રમ છે. અનુભવ અને અનુભવકર્તા એક જ સિક્કાની બે બાજુ છે, અર્થાત સમગ્ર અસ્તિત્વ ‘હું’ જ છું.

તો અન્ય લોકો કોણ છે? તેઓ પણ આજ કહેશે કે ‘હું’ અસ્તિત્વ છું . તો શું ઘણાબધા અનુભવકર્તાઓ અને ઘણાબધા અસ્તિત્વ છે? ઘણાબધા અનુભવકર્તા શક્ય નથી. એક જ અનુભવકર્તાને અનંત અનુભવ થઇ રહયા છે. અનુભવકર્તાનું તત્વ શું છે? ખાલીપણ/શૂન્યતા. અસ્તિત્વનું તત્વ શું છે? શૂન્યતા અને કેવળ શૂન્યતા. આપણે હંમેશા અનુભવ અને અનુભવકર્તાને જોઈએ છીએ. અસ્તિત્વ શૂન્ય છે, એ પોતેજ પોતાનો અનુભવ અનેક રૂપોમાં કરી રહ્યુ છે. આજ એકતાનું જ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન છે.

એકતા

એકતાનો/અદ્વૈતનો અનુભવ કેવી રીતે કરી શકય છે?

અદ્વૈતનો કોઈ અનુભવ નથી હોતો.જ્યારે પણ કોઈ અનુભવ થાય છે, અનુભવકર્તા પણ સાથે જ હોય છે. તે માત્ર હોવું છે, અદ્વૈત છે. તમે હમણાંજ, આજ ક્ષણે તેજ છો. ચિત્ત અદ્વૈતનું વિભાજન કરે છે પરંતુ મનનો ઉપયોગ કરીને જોઈ શકો છો કે ત્યાં કોઈ વિભાજન નથી. ચિત્તનો સ્વભાવ છે વિભાજન પરંતુ બુદ્ધિ વિભાજનની આરપાર જોઈ શકે છે અને આ પ્રમાણે આપણે કહી શકીએ કે ત્યાં બે નથી પરંતુ અદ્વૈત છે. તેથી આપણે કહીએ છીએ કે માત્ર અદ્વૈત છે, આ હોવાપણાને જ અનુભવક્રિયા કહીએ છીએ. આજ અદ્વૈતની સ્થિતિ છે. એકમાત્ર આજ સ્થિતિ શક્ય છે અને એજ અસ્તિત્વની સ્થિતિ છે.

વૈરાગ્ય દ્વારા આ સ્થિતિમાં બની રહેવું શક્ય છે. એક સ્થાન પર શાંતિથી બેસીને વિરક્ત ભાવથી તમારા ધ્યાનને શરીર, વિચારો, ઇચ્છાઓ અને ‘હું’ છું ની ભાવના પર લાવો, આ બધુ તમારા ધ્યાનના દાયરામાં લઈ આવતા ત્યાં ફક્ત અનુભવક્રિયા રહેશે. આજ સમાધિ છે. આપણે હંમેશા સમાધિમાં છીએ પણ ચિત્તવૃત્તિ તેને (સમાધિને) ઢાંકી દે છે. બધુંજ જાગ્રત અવસ્થા પછાળ ઢંકાઈ જાય છે પરંતુ જો આપણે ધ્યાનથી જોઈશું તો ખબર પડશે કે તે બધું શૂન્ય છે. ત્યાં ‘હું’ (અહં) નથી. શૂન્ય હોવું, એક હોવું અસ્તિત્વ હોવું એકજ વાત છે. અસ્તિત્વના પડદા પર બધુ સ્વપ્નવત ભાસે છે. જો તમારે સમાધિમાં રહેવું હોય તો તે અહીંજ છે, હમણાંજ છે.

તમે એક અદ્વૈત અસ્તિત્વ છો, પરંતુ પોતાને એક ભ્રામક સ્વપ્ન તરીકે અનુભવી રહ્યા છો.

આજ સાધનાનો અંત, અધ્યાત્મનો અંત , જ્ઞાન નો અંત છે.

અન્ય આવૃત્તિઓ

આ ત્રણ દિવસના કાર્યક્રમનું સંસ્કરણ નીચેની ભાષાઓમાં ઉપલબ્ધ છે.

  1. અંગ્રેજી
  2. મરાઠી
  3. હિન્દી
  4. નેપાળી
  5. ફારસી
  6. જર્મન

હિન્દીમાં ઓડિયો વર્ઝન:

  1. ભાગ # ૧
  2. ભાગ # ૨
  3. ભાગ # ૩
  1. યુટ્યુબ પર ભાગ # ૧
  2. યુટ્યુબ પર ભાગ # ૨
  3. યુટ્યુબ પર ભાગ # ૩

અંગ્રેજીમાં ઓડિયો વર્ઝન:

  1. ભાગ # ૧
  2. ભાગ # ૨
  3. ભાગ # ૩

મદદ

જોકે આ જ્ઞાન થયા પછી મોટાભાગના સાધકો સુખ, હળવાશ, આનંદ અને સકારાત્મક લાગણીઓનો અનુભવ કરે છે, પરંતુ આ કાર્યક્રમ પછી કેટલાક સાધકોને થોડા દિવસો માટે મદદની જરૂર પડી શકે છે.

કેટલાક લક્ષણો અથવા અભિવ્યક્તિઓ થઈ શકે છે. આત્યંતિક લાગણી ઉદ્ભવી શકે છે. ત્યાં રુદન અથવા વૈરાગ્ય ની ભાવના આવી શકે છે. આ જીવનશૈલીથી, થોડા દિવસોથી થોડા વર્ષોમાં, નિજી સંબંધો અથવા વ્યવસાયગત સંબંધો વગેરેમાં મોટા ફેરફારો લાવી શકે છે. એનાથી મોટી કોઈ હાનિ નથી હોતી , પરંતુ કેટલાક સાધકો ટૂંક સમય માટે ભય, અસ્વસ્થતા અથવા હતાશા/માંદગી વગેરે અનુભવી શકે છે. પરંતુ આ જાતેજ થોડા દિવસોમાં દૂર થઈ જાય છે. આવા સાધકોએ તબીબી તપાસ કરાવી લેવી જોઈએ અને પછી જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી સમર્પણભાવમાં અને શિક્ષક ના સંપર્કમાં રહેવું જોઈએ.